Sunday, 22 April 2018

Why C.B.S.E Board For Study?

સી.બી.એસ.ઈ. સ્કૂલનો મોહ શા માટે?


હમણાં કેટલાક દિવસોથી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં શાળાઓ ફી વધારો કરે છે, તેની સામે સરકાર અને વાલીઓ નારાજ છે. કેટલીક જગ્યાએ નાના-મોટા આંદોલનો પણ થયા છે. આ બધી બાબતોની નોંધ વિવિધ મીડિયામાં પણ લેવાઈ છે. જેમાં સંદેશ સમાચારપત્ર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. આ બાબતના અનુસંધાનમાં જ ટી.વી.ની એક ચેનલ પર ઈન્ટરવ્યૂ આપવા જવાનું થયેલું. આ ઈન્ટરવ્યૂ દરમિયાન જ ટી.વી.ના એન્કર દ્વારા વાલીઓના પ્રતિભાવ લાઈવ મેળવવામાં આવેલા. જેમાં વાલીઓને એક પ્રશ્ન પૂછેલો કે, તમે તમારા બાળકને સી.બી.એસ.ઈ. શાળામાં જ અભ્યાસ માટે શા માટે મૂક્યો છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે એક પણ વાલીનો જવાબ તર્ક ભરેલો નહોતો. જવાબ એવા હતા કે, પરીક્ષામાં અભ્યાસ કરવા મોકલવા માટે, અંગ્રેજી માધ્યમને કારણે વગેરે. આવા તર્કહીન જવાબ સાંભળ્યા પછી લાગ્યું કે, વાલીઓ સી.બી.એસ.ઈ. શાળા વિશે જાણ્યા વગર જ દેખાદેખીમાં જ પોતાના બાળકને આવી શાળામાં મૂકે છે. તો આવા વાલીઓને આ લેખ સર્મિપત.


સી.બી.એસ.ઈ. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના બે વાલીને સી.બી.એસ.ઈ.નું પૂરું નામ પૂછયું. બંનેમાંથી એક પણ વાલીનો જવાબ સાચો નહોતો! જે વાલી બોર્ડનું પૂરું નામ નથી જાણતા તે વાલી તે બોર્ડના હેતુઓ અને કાર્યો તો ક્યાંથી જાણતો જ હશે! સી.બી.એસ.ઈ.નું પૂરું નામ છે: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. અહીં માત્ર માધ્યમિકની વાત છે, પ્રાથમિક શાળાની વાત નથી. હમણાં જ અમદાવાદ, સુરત અને રાજકોટમાં એવી ફરિયાદો સાંભળવા મળેલી કે, અમારા બાળકો ફલાણી શાળામાં પ્રાયમરીમાં અભ્યાસ કરે છે. અમને સંચાલકોએ કહ્યું હતું કે, અમારી પાસે સી.બી.એસ.ઈ.ની માન્યતા છે માટે અમે અમારાં બાળકોને જે તે શાળામાં પ્રવેશ અપાવેલો. પછી ખબર પડી કે આ શાળા પાસે પ્રાથમિકની સી.બી.એસ.ઈ.ની માન્યતા જ નથી. ત્યારે આવા વાલી નોંધ લે કે, સી.બી.એસ.ઈ. પ્રાથમિક શાળાને માન્યતા આપતું જ નથી. તેનું કાર્યક્ષેત્ર માત્ર ને માત્ર હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી પૂરતું જ છે. સી.બી.એસ.ઈ. કોઈ પણ શાળાના પ્રાથમિક વિભાગને મંજૂરી આપી ના શકે. તેની સત્તા પણ નથી. તમે આ પણ જાણતા નથી પછી સંચાલકો પાસે પ્રાથમિક વિભાગની સી.બી.એસ.ઈ.ની માન્યતા માગો તો તે ક્યાંથી બતાવશે? હા, સંચાલકે તમને એવું કહ્યું હોય તો તે ખોટું બોલ્યા છે, પણ સંચાલક તો ગમે તે કહે તમને તો ખબર હોવી જોઈએ ને? ફરી નોંધ લો કે, સી.બી.એસ.ઈ. માત્ર ધો. ૯ થી ૧૨ની જ માન્યતા આપે છે. એક મોબાઈલ ખરીદવા માટે નીકળતો વાલી દસ મિત્રોની સલાહ લે છે અને દસ દુકાને ફરીને પચાસ પ્રશ્નો કરીને પછી મોબાઈલ ખરીદે છે અને આ વાલી પોતાના બાળકને ગમે તે સ્કૂલમાં મૂકે છે અને પછી વાંક અન્યનો કાઢે છે. છેતરવા માટે તમે જ પહેલ કરી હતી, જેથી છેતરનાર તો મળી જ રહેશે.
 
મને એ નથી સમજાતું કે, ગુજરાત બોર્ડની શાળાઓ કરતાં સી.બી.એસ.ઈ.ની શાળામાં એવો તે કયો ફાયદો છે? હાનેશનલ લેવલે પ્રવેશ માટે યોજાતી પરીક્ષાઓમાં સી.બી.એસ.ઈ.ના અભ્યાસક્રમને પ્રાધાન્ય મળે છે. જેમ કે મેડિકલ કે આઈ.આઈ.ટી. વગેરે, પણ એની બેઠકો કેટલી? ગુજરાતમાં મેડિકલની બેઠકો અત્યારે લગભગ ૪,૫૦૦ આસપાસ છે, જે છ હજાર સુધી થશે તેવી વાત છે. આઈ.આઈ.ટી.ની વાત કરીએ તો ગુજરાતમાંથી માત્ર પચાસ-સો જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હશે. તો આટલા માટે પોતાના બાળકને સી.બી.એસ.ઈ.ની શાળામાં પ્રવેશ લેવડાવવો તે ગાંડપણ નથી લાગતું? શું ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ મેડિકલ કે ઔઆઈ.આઈ.ટી.માં નથી જતાં અને ધારો કે સી.બી.એસ.ઈ.ની શાળાના વિદ્યાર્થીને તે ફાયદો થતો હોય તો કેટલા વિદ્યાર્થીઓને? જે હોશિયાર છે તે ગમે તે બોર્ડમાં હશે, તે વિદ્યાર્થી ઈચ્છે ત્યાં પ્રવેશ મેળવવાનો છે અને જે નબળો છે તે ગમે તે બોર્ડમાં હશે. તેને મેરિટમાં પ્રવેશ નથી મળવાનો. વાત રહી બોર્ડર પર આવતા વિદ્યાર્થીઓની. આવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? શું વાલી આવી બાબતો વિચારે છે? અને હા, વાત રહી જેઈઈ પરીક્ષા અને એન્જિનિયરિંગની. તો એમાં તો કોલેજોની સંખ્યા એટલી બધી છે કે આ કોલેજોને તો પૂરતા વિદ્યાર્થી મળતાં નથી. જેથી જેને એન્જિનિયરિંગમાં જવું છે, તેને તો ગમે તે કોલેજમાં પ્રવેશ સામા પગલે મળી જવાનો છે. તે માટે કયા બોર્ડમાં ભણ્યા છો તે અગત્યનું નથી.

સી.બી.એસ.ઈ.ની શાળા એવા વાલી માટે વધુ ફાયદાકારક છે કે, જે વાલી નોકરી કે ધંધાને કારણે એક રાજ્યમાંથી જાય ત્યારે તેના બાળકને સમાન પ્રકારનો અભ્યાસક્રમ ભણવા મળે. તેને કોઈ મુશ્કેલી ન પડે. જેના ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ છે અને જેનું બાળક ખરેખર ખૂબ જ હોશિયાર છે અને જેમણે ભારતને ધ્યાનમાં રાખી અભ્યાસ કરાવવો છે તેમના માટે સી.બી.એસ.ઈ. બરાબર છે. બાકી દેખાદેખી કે પડોશીના કે સગાંના બાળક કરતાં પોતાનું બાળક કે પોતે વધુ ઊંચા છે તે બતાવવા માટે સી.બી.એસ.ઈ.ની શાળામાં બાળકને પ્રવેશ ના લેવડાવશો.

સી.બી.એસ.ઈ.ની શાળાઓ મોટા ભાગે મોટા ટ્રસ્ટ દ્વારા ચાલે છે. જેથી તેમને તેમના બિલ્ડિંગ મોટા, સુવિધાયુક્ત અને આકર્ષક હોય છે. જેઓ ફી પણ એટલી જ ઊંચી પણ લેતા હોય છે. તો વાલીએ એક ભ્રમણામાંથી બહાર નીકળી જવું જોઈએ કે ઊંચી ફી એટલે સારું શિક્ષણ. આ માન્યતા ભૂલ ભરેલી છે. ગુજરાતમાં એવી અનેક શાળાઓ છે કે જે ખૂબ જ નીચી ફી લઈને ખૂબ જ સારું શિક્ષણ અને મૂલ્યો પીરસે છે. અત્યારે જે શાળાઓ ઊંચી ફી લે છે તેમાં મોટા ભાગની કદાચ સો ટકા શાળાઓ ઔસી.બી.એસ.ઈ.ની શાળાઓ છે. હકીકતમાં દરેક વાલી એમ માને છે કે, આ દુનિયાનું શ્રેષ્ઠ બાળક મારું જ છે. તેણે સારામાં સારી ભલે ગમે તેટલી ફી હોય તો પણ ત્યાં જ ભણાવું. જેમાં વાલી ખોટા છે. સારી શાળામાં શિક્ષણ અપાવવું જોઈએ, પણ સારી શાળા એટલે ઊંચી ફી લેતી હોય અને સી.બી.એસ.ઈ. હોય એ જ એ માન્યતામાંથી બહાર આવી જાવ. આપણા ગુજરાત બોર્ડની ઘણી શાળાઓ સારી છે જ. તમારું બાળક હોશિયાર હશે અને તમે વ્યક્તિગત રસ લેશો તો તે ગમે તે બોર્ડમાં હશે તેને કોઈ જ મુશ્કેલી પડવાની નથી. એક નબળી સલાહ પણ આપી શકાય કે, અત્યારે ઊંચી ફી ભરવી અને પછી સારી જગ્યાએ પ્રવેશ ના મળે એના કરતાં સામાન્ય ફી ભરો, વધારાની ફીની બચત કરો. ભવિષ્યમાં પ્રવેશ લેવાનો થાય ત્યારે બચેલા પૈસાનો ડોનેશન આપીને પણ પ્રવેશ મેળવી શકશો. અંતે, ફી સામે બાંયો ચડાવનાર વાલીને કહીએ કે તમે કદાચ સાચા હશો, પણ આવી શાળામાં તમે તમારા સંતાનને શા માટે મૂકો છો. સંચાલકો પાસે લેખિત બાંયધરી લો કે તમારું બાળક ભણશે ત્યાં સુધી આટલી જ ફી લેશે. આવી શાળાઓમાં જો વાલી પોતાના બાળકને મૂકશે નહીં તો શાળા આપોઆપ ફી ઘટાડો કરશે, પણ વાલી આવું કરશે ખરા? અંતે સી.બી.એસ.ઈ.નો મોહ છોડો, તમારા બાળકને ઓળખો, શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિઓની સલાહ લો, જે શાળામાં બાળકને મૂકવું છે, તેનો પાછલા પાંચ વર્ષનો ઇતિહાસ જુઓ. માત્ર ભૂગોળ જોઈ આકર્ષાઈ જશો નહીં. તમારું બાળક ચોક્કસ શાળામાં ભણશે તો જ તેનો વિકાસ થશે તેવું ના માનશો. પૂરતી વિચારણા કરો. જરૂર લાગે અન્ય શાળાની પસંદગી પણ કરી શકાય.

0 comments:

Post a Comment