Monday 21 August 2017

Exam Result Decide Our Fate?

વિદ્યાર્થીઓના સત્કાર સમારંભના કાર્યક્રમમાં એક વાત ધ્યાન પર આવી જે આપની સાથે શેર કરું છું. 

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઇનામ મેળવવા પોતાની માર્કશીટ એક મહિના અગાઉ જ જમા કરાવી હતી. કેટલાય વિદ્યાર્થીઓને બધા જ વિષયમાં 100% માર્ક્સ હતા. 98 % થી ઉપર માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનો તો ઢગલો હતો. એક વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવ્યા પછી એવું લાગ્યું કે આપણને કદાચ ઇનામ નહિ મળે એટલે વધુ ટકા વાળી એ જ શાળાની બીજી માર્કશીટ જમા કરાવી. આયોજકો એ નક્કી કર્યું કે આ બધા અતિ તેજસ્વી વિદ્યાર્થીઓની ટેસ્ટ લઈને જોઈએ કે ખરેખર એની માર્કશીટ સાચી છે કે કેમ? પ્રાથમિક શાળાનાઆ 98 % ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ માટે 50 માર્કસનું એક પેપર તૈયાર કર્યું. એ જે વિષયો ભણ્યા હોય એ જ વિષયોના સાવ સામાન્ય પ્રશ્નો પૂછ્યા હતા. ટેસ્ટનું જે પરિણામ આવ્યું એ જોઈને આયોજકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઈ. કોઈને 20 માર્ક આવ્યા, કોઈને 15 કોઈને 10 તો કોઈને તો 0 માર્ક્સ પણ આવ્યા. ખાનગી શાળાઓ માર્કનો ઢગલો કરીને વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બહુ મોટી રમત રમી રહ્યા છે. (આ વાત બધી જ ખાનગી શાળાને લાગુ પડતી નથી પણ અપવાદોની સંખ્યા બહુ જ ઓછી છે) વિદ્યાર્થીઓની ક્ષમતા વગર જ એને માર્ક આપી દેવા એ ખરેખર બહુ મોટો સામાજિક ગુનો છે. આવું કરવાથી કેટલી મોટી ભ્રમણાઓ ઉભી થાય છે. માં-બાપ મોટા મોટા સપનાઓ જોવા લાગે છે અને બેજવાબદાર બની જાય છે કારણકે 100% લાવનારા સંતાનની હવે શું ચિંતા કરવાની? સંતાનોની સારી માર્કશીટ જોઈને વાલીઓએ વધુ પડતા હારખપદુડ થઇ જવું નહિ! સંતાનોની કારકિર્દી માટે ટકા સર્વસ્વ નથી એ વાત સાચી પણ વિદ્યાર્થીનું મૂલ્યાંકન જો ખોટું થાય તો ગાડી ઊંધા પાટે ચડી જાય એ પાક્કું.

0 comments:

Post a Comment