Use of Mobile - મોબાઈલની માયાજાળ
આજનો યુવાન બુઢ્ઢો છે. બુદ્ધિનો બુઠ્ઠો છે .. માનવામાં નથી આવતું :?
સવારે મોડું ઉઠવાનું..! ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની. ન દાંત સાફ કરવા, ન નહાવા જવું, ન માતા પિતા સાથે વાત કરવી અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ. પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે. તું તો નથી જ.. નથી તને દેશ- દુનિયાની ખબર, કે નથી પારિવારીક સમ્બંધોની ખબર, તું શાનો સ્માર્ટ છે?
કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહિ, દિમાગથી પણ તું બેરો થઇ ગયો છે. અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શું જોયા કરે છે. તારા મા બાપ સામે તો જો કોઈ વાર! બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી. અલ્યા ડફોળ, તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો. તારી મા ! જેણે જુવાનીમાં કદીયે કોઈ મોજ શોખ નથી કર્યા, કારણ એને તારા માટે રમકડા ખરીદવા હતા. 21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે.
તું જેને પછાત સમજે છે, તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે. કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે.
મેથી અને કોથમીર કોને કહેવાય? એ તું સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે. બે માઈલ ચાલવામાં તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે.
માતૃભાષામાં "ઘ" અને "ધ" લખવાનો તફાવત તને ખબર નથી. "ઘર ને બદલે "ધર" અને "ધજા" ને બદલે "ઘજા" લખે છે અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે. "પાટલા સાસુ" કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા, કોઈ વડીલને પૂછ બધા સંબંધ વાચક નામ તને તુરંત સમજાવશે. તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય, પણ માબાપ પોતે ખૂબજ સ્માર્ટ છે.
તોફાન કરવા રે’વા દે, અને છાનો માનો મા બાપ કહે એમ કર. મા બાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા. ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન, કારણ કે તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે. જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ, અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે, તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે.
કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો, એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ. મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે, પણ એની આંતરડી અંદરથી બળતી રહે.
'જન્મદાતા' , 'અન્નદાતા' , 'જીવનદાતા' ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર ..
કારણ કે કાલ કોણે જોઈ છે ??
0 comments:
Post a Comment